રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના બની હતી. ગુરુવારે બપોરે બેંગ્લોરથી રાજકોટ આવી રહેલી ફ્લાઈટને લેન્ડિંગ વખતે પક્ષી અથડાતાં ફ્લાઈટમાં બેઠેલા યાત્રિકો ગભરાઈ ગયા હતા. જોકે લેન્ડિંગમાં કોઈ સમસ્યા ન થઇ હતી અને સુરક્ષિત રીતે ફ્લાઈટ લેન્ડ થતાં યાત્રિકોએ હાશકારો અનુભવ્યો હતો. બેંગ્લોરની ફ્લાઈટ લેન્ડ થયા બાદ જ્યાં પક્ષી અથડાયું તે જગ્યાનું અને ફ્લાઈટનું ચેકિંગ કરાયું હતું. બર્ડ હિટ થયાનો રિપોર્ટ તાકીદે જ DGCA (ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન)ને મોકલાયો હતો અને ત્યાંથી સૂચના મળ્યા બાદ જ આ ફ્લાઈટે ફરી બેંગ્લોર જવા માટે ઉડાન ભરી હતી. જોકે બર્ડ હિટ થતાં રાજકોટ-બેંગ્લોરની ફ્લાઈટ બે કલાક મોડી પડી હતી.
રાજકોટથી નિયમિત રીતે બેંગ્લોરની ફ્લાઈટ ઓપરેટ થાય છે. ગુરુવારે બપોરે આશરે 2.35 કલાકે જ્યારે આ ફ્લાઈટ બેંગ્લોરથી રાજકોટ આવી અને લેન્ડ થવાની હતી તે જ સમયે ફ્લાઈટ સાથે પક્ષી અથડાતાં થોડી ક્ષણો માટે વિમાનમાં સવાર યાત્રિકો ગભરાઈ ગયા હતા. જોકે આ ફ્લાઈટનું સફળ અને સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. કોઇપણ ફ્લાઈટ સાથે પક્ષી અથડાવવાની ઘટના બને તો ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ડીજીસીએને રિપોર્ટ કરવામાં આવે છે. ફ્લાઈટમાં વધુ નુકસાની થઇ હોય તો ઓથોરિટીની ટીમ ઇન્સ્પેક્શન કરે છે અને ફ્લાઈટ સુરક્ષિત હોવાનો રિપોર્ટ આપ્યા બાદ જ તે ઉડાન ભરી શકે છે. રાજકોટ-બેંગ્લોરની ફ્લાઈટનું પણ ઇન્સ્પેક્શન કર્યા બાદ સબ સલામત હોવાનું બહાર આવતા આખરે આ ફ્લાઈટે ફરી બેંગ્લોર જવા માટે ઉડાન ભરી હતી. જોકે આ સમગ્ર ઘટનાનો DGCAને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.