રાજકોટમાં આજે સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. શહેરના એક સોની પરિવારના 9 સભ્યે ઊધઈ મારવાની દવા પી લેતાં તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. તમામની સ્થિતિ હાલ સ્થિર છે. મુંબઈના 4 વેપારીને આપેલા સોનાના માલના પોણાત્રણ કરોડ રૂપિયા ન આપતાં સોની પરિવારે આવું પગલું ભર્યાનું એક સ્વજને જણાવ્યું છે તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકતાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સોની પરિવારના 9 સભ્યે રાત્રે અથવા વહેલી સવારે દવા પીધી હતી, જોકે બપોરના સમયે તમામને હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.
ગુંદાવાડીમાં આવેલા ગોવિંદપરામાં રહેતાં અને સોની બજારમાં પેઢી ધરાવતાં વેપારીએ પોતાના પરિવારના બીજા 8 સભ્યો સાથે મળી ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. તમામ સભ્યોએ રાતે સરબતમાં ઉધઈ મારવાની દવા ભેળવીને પી લીધી હતી. જો કે, આજે બપોરે બધા ભાનમાં આવતાં સારવાર માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. અહીં તબીબે તપાસ કરતાં લગભગ તમામ સભ્યોની હાલત ભયમુક્ત જણાઇ હતી. વેપારીએ જણાવ્યું હતું કે, મુંબઇના ચાર વેપારી કે જેઓ એકબીજાના ભાગીદાર છે તેમણે મારી પાસેથી વિશ્વાસ કેળવી સોનાના દાગીનાની ખરીદી શરૂ કરી હતી અને શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવી દીધુ હતું. પરંતુ બાદમાં પોણા ત્રણ કરોડનું સોનુ ખરીદ કર્યા પછી હવે લાંબા સમયથી હું ઉઘરાણી કરતો હોવા છતાં તેઓ મારી રકમ પરત આપતાં ન હોય ઘરમાં અને વેપારમાં આર્થિક ભીંસ ઉભી થતાં કંટાળીને અમે સામૂહિક આત્મહત્યાનો નિર્ણય કર્યો હતો.