ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા 135 જેટલી ગ્રાન્ટેડ કોલેજમાં આચાર્યોની ભરતી માટે છેલ્લા એક વર્ષથી કવાયત ચાલી રહી છે ત્યારે જાહેરાત બાદ ઉચ્ચ શિક્ષણ વિભાગની નિયમો ઘડવા માટે રચેલી કમિટીએ યુજીસીના નિયમોનો ઉલાળિયો કરી રૂ.9 હજારના ગ્રેડ પે વાળા આઇટી રિટર્ન જમા કરાવવાનો ફતવો ઉમેદવારો માટે જાહેર કરતા દેકારો બોલી ગયો હતો અને હજુ આ પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં ઉમેદવારોની અરજીની સ્ક્રૂટિની માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ રચેલી કમિટીએ હવે કોલેજના સંચાલકો પાસે જે ઉમેદવારોની અરજી આવી છે તેમના રૂ.15-15 લાખના રિટર્નની નકલની માગણી કરતા ભારે દેકારો બોલી ગયો છે અને સરકાર આ ભરતી પ્રક્રિયા માત્ર દેખાડા માટે કરી રહ્યાનું અને એકપણ કોલેજમાં ભરતી કરવા માગતા ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
ગ્રાન્ટેડ કોલેજના સંચાલક મંડળમાંથી મળતી માહિતી અનુસાર યુજીસીના નિયમ મુજબ આચાર્ય બનવા માટે ઉમેદવાર પીએચ.ડી.ની લાયકાત ધરાવતો હોવો જોઇએ. તેમજ અધ્યાપક તરીકેનો 15 વર્ષનો અનુભવ હોવો જોઇએ અને એપેન્ડિક્સ ટેબલ-1 અને 2 મુજબ 120નો રિસર્ચ સ્કોર હોવો જોઇએ. યુજીસી રેગ્યુલેશન એક્ટ-2018માં કયાંય ઉમેદવારો પાસેથી આવકવેરાના રિટર્ન લેવાની કોઇ જોગવાઇ નથી. આમ છતાં ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આચાર્યની ભરતી સમયે તેના નિયમો ઘડવા માટે જે કમિટી બનાવી હતી તેમણે પાછળથી યુજીસીની નિયમોની જોગવાઇ બહાર પોતાની રીતે આ તઘલખી નિયમનો ઉમેરો કરી દીધો હતો અને તેના પરિણામે છેલ્લા એક વર્ષથી આ ભરતી પ્રક્રિયા ગોથા ખાઇ રહી છે.