રાજકોટનાં ઉપલેટામાં ગોઝારી દુર્ઘટના

રાજકોટનાં ઉપલેટામાં ગોઝારી દુર્ઘટના સામે આવી છે. જેમાં મોજ નદીમાં નહાવા પડેલા એક યુવકનું પાણીના પ્રવાહમાં ડૂબી જતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે બપોરે ઘરેથી નીકળ્યા બાદ આ યુવક ગુમ હોવાથી પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા ઉપલેટા તેમજ ભાયાવદર પોલીસ અને ઉપલેટા મામલતદાર કચેરીનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયો હતો. જોકે, લાંબી શોધખોળ બાદ અંતે યુવકનો મૃતદેહ હાથ લાગતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ઉપલેટા શહેરમાં રહેતો 25 વર્ષીય નિકુંજ હમીરભાઈ લુવા નામનો યુવક બપોરે મોજ નદી ખાતે નહાવા ગયા બાદ પરત ફર્યો નહોતો. જેને લઈને તેના પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. છતાં આ યુવકનો પતો નહીં લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવક લાપતા હોવાની માહિતી મળતા તંત્ર શોધખોળ કરવા માટે બનાવ સ્થળ પર દોડી આવ્યું હતું. લાંબી શોધખોળ બાદ મોડીરાત્રે ચેકડેમના હેઠવાસના ભાગના પાણીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉપલેટા તાલુકાના વાડલા અને સેવંત્રા ગામ વચ્ચેનાં ચેક ડેમના પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *