રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારિબાપુની વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ 1 લાખ લોકો વૈશ્વિક રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. હિંદુ ધર્માચાર્ય મહાસભાના કન્વીનર અને સેક્રેટરી તેમજ સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શન અને સંરક્ષક (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજીનાં વરદ હસ્તે સદભાવના વૃદ્ધાશ્રમનાં વૈશ્વિક રામકથા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રોજબરોજની કામગીરી, વિવિધ કમિટીઓની રચના, કાર્યોની વહેંચણી, વિવિધ તંત્રો સાથે સંકલન, પ્રચાર પ્રસાર ઈત્યાદી કાર્યોની સરળતા માટે કાર્યાલયની શરૂઆત થઇ છે.
સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શક, સંરક્ષક આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ મહાસભાના કન્વિનર, સેક્રેટરી, ધર્માચાર્ય પરમાત્માનંદ સરસ્વતીજીએ કહ્યું કે, “રાજકોટની વૈશ્વિક રામકથા ભક્તિ, પ્રસાદ અને સેવાનો ત્રિવેણી સંગમ રચાશે. સર્વધર્મ સમભાવ માટે આ શ્રેષ્ઠ મોકો છે. 12 વર્ષ બાદ રાજકોટમાં યોજાઈ રહેલી મોરારિબાપુની વૈશ્વિક રામકથામાં સૌ કોઈને જોડાવવા, પુણ્યના યજ્ઞમાં આહુતિ આપવા આહ્વાન છે. વૃક્ષો અને વડીલોની સેવાર્થે થઈ રહેલ મહાન કાર્ય સમી ‘વૈશ્વિક રામકથા’માં સૌ કોઈ તન, મન અને ધનથી સેવા આપતાં કટિબદ્ધ બને તે જરૂરી છે.” વૈશ્વિક રામકથા કાર્યાલયનાં ઉદ્ઘાટનમાં ધર્માચાર્ય (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજી સાથે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, સંસ્થાઓનાં અગ્રણીઓ, દાતાઓ, કાર્યકર્તાઓ સહિતના નામી અનામી 500 જેટલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.