છેલ્લા કેટલાક સપ્તાહથી ખાદ્યતેલના ભાવમાં સ્થિર વલણ હતું, પરંતુ સરકારે આયાતી તેલ પર ડ્યૂટી નાખવાની વિચારણની અસર ઘરઆંગણે વર્તાઈ હતી. રાજકોટમાં બુધવારે સિંગતેલ, કપાસિયા તેલ અને અન્ય સાઇડ તેલમાં રૂ.30થી લઇને રૂ.60 સુધીનો વધારો થયો હતો.જોકે આ ભાવવધારો કામચલાઉ હોવાનું વેપારીઓ જણાવે છે. બે-ત્રણ દિવસ સુધી આ ભાવ જળવાયેલા રહેશે. ભાવ વધ-ઘટનો નિર્ણય આયાતી તેલ પર ડ્યૂટી નાખવાના નિર્ણય પર આધારિત રહેશે. કપાસિયા તેલના ડબ્બામાં રૂ.60નો વધારો થતા ડબ્બાનો ભાવ રૂ.1885નો થયો હતો.
સિંગતેલને બાદ કરતા અન્ય સાઈડ તેલમાં ઘટાડો આવ્યો છે. સિંગતેલમાં રૂ.40નો ઘટાડો આવતા ડબ્બાનો ભાવ રૂ.2680એ પહોંચ્યો હતો. જોકે સિંગતેલ ડબ્બાનો ભાવ રૂ.2700એ પહોંચવામાં માત્ર રૂ.20નું જ છેટું રહ્યું છે. જન્માષ્ટમીના તહેવારમાં રાજકોટ સહિત રાજ્યભરમાં ધોધમાર વરસાદ રહ્યો. જેને કારણે ખેતરમાં ઊભા રહેલા પાકને નુકસાન ગયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
જોકે વરસાદને કારણે ઉજવણી થઇ ન શકી. આથી ખાદ્યતેલની ડિમાન્ડમાં પણ ઘટાડો રહ્યો. જોકે છેલ્લા કેટલાક સમયથી મગફળી અને સિંગતેલમાં ખરીદી નહિવત છે અને સામે આવક પૂરતા પ્રમાણમાં હોવાથી આ ભાવઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બુધવારે સિંગતેલ લૂઝમાં 1550ના ભાવે સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા.