જૂનાગઢના રિક્ષાચાલક હિરેનભાઈ નિરંજનભાઈ જયસ્વાલ (ઉં.વ.45) અને તેના પુત્ર રિયાન્સ (ઉં.વ.10)ના મૃતદેહ ગઈકાલે ધોરાજી નજીક ભાદર નદીમાંથી મળી આવ્યા હતા. જેમાં મરજી વિરુદ્ધ પુત્રીએ પ્રેમલગ્ન કર્યા એટલે પિતા હિરેન જયસ્વાલે 10 વર્ષના દીકરાને નદીમાં ફેંકી પોતે પણ આપઘાત કરી લીધેલ હોવાનું કારણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
મૃતક હિરેનભાઈના સાળા અજય ભરતભાઇ જયસ્વાલ (ઉં.વ.40)એ પોલીસને જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે રહું છું અને જુનાગઢમાં કારવા ચોકમાં આવેલ મહાસાગર ટ્રાવેલ્સની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરું છું. અમે બે ભાઈઓ તથા બે બહેનો છીએ. મારી નાની બહેન સોનલબેનના લગ્ન વર્ષ 2005માં હીરેનભાઈ નિરંજનભાઈ જયસ્વાલ સાથે સમાજના રીતિ રિવાજ મુજબ કર્યા હતા. મારા બહેન-બનેવીને સંતાનમાં બે દીકરીઓ તથા એક દીકરાનો જન્મ થયો હતો. જેમા મોટી દીકરી પ્રિયંકા ઉર્ફે નંદીની અને નાની દીકરી દ્રષ્ટી છે. સૌથી નાનો દીકરો રિયાન્સ હતો. મારા બહેન-બનેવી તેના સંતાનો તથા તેના મમ્મી શોભનાબેન બધા છેલ્લા પાંચેક વર્ષ પહેલા અમારા પાડોશમાં જૂનાગઢ રહેવા આવતા રહેલ હતા.