અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાનાં એક પછી એક અધિકારીઓ અને ઈજનેરો રાજીનામા આપી રહ્યા છે. ત્રણ માસ પહેલા અલ્પના મિત્રાએ સિટી ઈજનેરપદેથી રાજીનામું આપ્યા બાદ તેના ઈન્ચાર્જ બનેલા દેથરીયાએ ચાર્જ છોડવા પત્ર લખ્યો હતો ત્યારે હવે સ્માર્ટ સિટી પ્રોજેકટમાં એવોર્ડ જીતનાર સિટી ઈજનેર વાય. કે. ગૌસ્વામીએ રાજીનામું આપ્યાનું સામે આવ્યું છે તેમજ હજુપણ ત્રણેક ઈજનેર નોકરી છોડે એવી શકયતા છે.
પ્રાપ્ત વિગત મુજબ વાય.કે. ગૌસ્વામી સિનિયર ઈજનેર છે અને લાંબા સમયથી સિટી ઈજનેર તરીકે સેવાઓ આપતા હતા. મનપાના મહત્વના અનેક પ્રોજેકટમાં કામ કરી ચૂક્યા છે. સ્માર્ટ સિટી પ્રોજેકટમાં પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે ફક્ત એટલું જ નહીં પોતાના કાર્યકાળમાં તેઓ વિવિધ એવોર્ડ પણ જીતી ચુક્યા છે. તેમની નોકરી હજુ એક-દોઢ વર્ષ બાકી છે ત્યારે જ તેમણે રાજીનામા માટે અરજી કરી છે.