હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે રાજ્યમાં આગાહી કરવામાં આવી છે. એ મુજબ ગુજરાતમાં આજે (31 ઓગસ્ટ) વરસાદને લઈને કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી, પણ આવતીકાલે (1 સપ્ટેમ્બર) પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એ બાદ ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવેલું છે. બંગાળની ખાડીમાં પણ ડીપ ડિપ્રેશન સર્જાઇ રહ્યું છે અને મોન્સૂન ટ્રફ નલિયાથી બંગાળ સુધી વિસ્તરેલું છે, જેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.
આજ સમયગાળામાં સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો 01 અને 02 સપ્ટેમ્બરના રોજ કોઈ વોર્નિંગ નથી. જ્યારે 03થી 06 સપ્ટેમ્બરના રોજ છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ, 01 સપ્ટેમ્બરના રોજ પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે. 02 સપ્ટેમ્બરના રોજ ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે છુટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડશે. 03 અને 04 સપ્ટેમ્બરના રોજ પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે. 05 સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડશે.