છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજકોટ સહિત રાજ્યભરમાં વરસેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે. રહેણાક લોકો, વેપારીઓ સહિત અનેકને ભારે નુકસાન વેઠવું પડ્યું છે ત્યારે અતિવૃષ્ટિથી પ્રભાવિત કે અસરગ્રસ્ત વાલીના બાળકોને શિક્ષણ ફી માફી આપવા અથવા રાહત આપવા માટે ઓલ ગુજરાત વાલીમંડળે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગણી કરી છે.
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યના મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકા તથા ગામડામાં વરસાદી અતિવૃષ્ટિથી પારાવાર નુકસાન થયું છે, એવા સંજોગોમાં વરસાદી અતિવૃષ્ટિના પ્રભાવથી પારાવાર આર્થિક તારાજી અને નુકસાન થયેલા ઘર, વખાર, ખેતર, દુકાનોમાં અસહ્ય નુકસાનથી ગુજરાતના વાલીગણ પ્રભાવિત અને અસરગ્રસ્ત બન્યા છે ત્યારે આર્થિક નિરાધાર વાલીગણના બાળકોની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની શિક્ષણ ફીમાં રાહત અને માફી આપવામાં આવે તેવી જરૂરિયાત ઊભી થઈ છે. ગુજરાતના વિવિધ જિલ્લા, તાલુકા, ગામડામાં ચાલતી અર્ધ સરકારી તથા ખાનગી શિક્ષણ સંકુલોમાં શાળા ફીમાં માફી અને રાહત આપવા યોગ્ય વહીવટી હુકમો ફરમાવવા માગણી કરી છે. ઉપરાંત પાઠ્ય પુસ્તકો તથા શિક્ષણ સામગ્રી ફાળવવા પણ જણાવાયું છે.