રાજકોટમાં ભારે વરસાદ બાદ વિવિધ આશ્રયસ્થાનો પર રખાયેલા લોકોને સામાજિક સેવાની સંસ્થાઓ દ્વારા ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે રામકૃષ્ણ આશ્રમ- રાજકોટ દ્વારા અવિરત ભોજનસેવા ચાલુ છે. આશ્રમ દ્વારા છેલ્લા ચાર દિવસમાં આશરે 6,000 થી વધુ લોકોની ભોજનસેવા કરવામાં આવી છે. રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 4 દિવસ પહેલા ભારે વરસાદ શરૂ થયો ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા લાગ્યા હતા અને તંત્ર દ્વારા બચાવ કાર્યો પણ શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ સમયે રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના સંત દર્પહાનંદજી તથા સ્વયંસેવકોની ટીમ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને સર્વે કરીને બે કલાકમાં જ સ્થળાંતરિત લોકોને ગરમ ખીચડીનું ભોજન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. આશ્રમ દ્વારા વરસાદ વચ્ચે 2500 લોકોને ખીચડી ઉપરાંત 2000 કોરા નાસ્તાના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. એ પછી પણ ભોજનની સેવા સતત ચાલુ છે. અસરગ્રસ્તોને અત્યાર સુધીમાં 8000 થેપલા ઉપરાંત 450 કિલો ગાંઠિયા તેમજ ચવાણું, મસાલા ભાત વગેરે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લા ચાર દિવસમાં કુલ મળીને આશરે 6,000 થી વધુ લોકોને ખાદ્યસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્ય હજુ પણ ચાલુ છે. આગામી દિવસોમાં સ્થળાંતરિત લોકોને તાલપત્રી તેમજ રાશનકિટ વિતરણ કરવાનું પણ આયોજન છે.