રાજકોટ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર (નાર્કોડ) ની બેઠક યોજાઈ હતી. જેમાં બ્રજેશકુમારે દેશનું યુવાધન નશીલા પદાર્થોના સેવનથી દૂર રહે તે માટે કોલેજના છાત્રોને ડ્રગ્સની આડઅસરો તથા સામાજિક, આર્થિક દુષ્પરિણામો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવા જણાવ્યું હતું. રાજકોટની વિવિધ યુનિવર્સિટીના પ્રતિનિધિઓને સંબોધતા પોલીસ કમિશનરે કહ્યું હતું કે, કોલેજના કોઈ વિદ્યાર્થી કે ગ્રુપ આ પ્રકારે સેવન કરતા જોવા મળે તો તેઓનું યોગ્ય કાઉન્સેલિંગ કરવા અને જરૂર જણાયે પોલીસ વિભાગની મદદ લેવા તેમજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ઈતર પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવા ખાસ નોડલ અધિકારી નીમવા સૂચન કર્યું હતું. તેમણે રાજકોટ શહેરમાં ડ્રગ્સની બીમારીને પ્રારંભથી ડામી દેવા માટે યુનિવર્સિટી ઉપરાંત ડ્રગ્સ કંટ્રોલ, એફ.એસ.એલ., મહાનગરપાલિકા, તબીબી સહિતના વિવિધ વિભાગો સંકલનમાં રહી કાર્યક્ષમ બને તે અર્થે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.