રાજકોટ મનપાના તત્કાલીન TPO મનસુખ સાગઠિયાના પત્ની, પુત્ર અને ભાઇએ કોર્ટમાં આગોતરા જામીન માગ્યા

રાજકોટ એન્ટી કારપશન બ્યુરોએ મનપાના પૂર્વ ટીપીઓના અપ્રમાણસર મિલકતના કેસમાં સકંજો કસ્યો છે. મનસુખ સાગઠિયાના પત્ની, પુત્ર અને ભાઈએ કોર્ટમાં અરજી કરી આગોતરા જામીન માંગ્યા છે. મનસુખ સાગઠિયાના પુત્ર કેયુર, પત્ની ભાવનાબેન અને ભાઈ દિલીપભાઈએ પોતાના વકીલ મારફત રાજકોટની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે, મનસુખ સાગઠીયાએ પોતાની કાયદેસરની આવક કરતા 28 કરોડથી વધુ સંપતિ વસાવેલાનું જણાઈ આવતા જે અપ્રમાણસર મિલકતોનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમના પરિવારજનોના નામે પણ મિલકત ખરીદ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે શું સાગઠિયાનો પરિવાર પણ ભ્રષ્ટાચારમાં સામેલ છે તેવો સવાલ ઉઠી રહ્યો છે. જેને લઇ એસીબીએ તપાસ તેજ કરી છે.

રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ અને TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયા સામે લાંચ રૂશ્વત વિરુધી બ્યુરો દ્વારા પ્રાથમિક તપાસ દરમિયાન 10.55 કરોડથી વધુની અપ્રમાણસર મિકલતનો ગુનો રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ભ્ર.નિ.અધિ. 1988 (સુધારા-2018) ની કલમ 13(1)(બી), 13(2) મુજબનો ગુનો તા.19.6.2024 ના રોજ સરકાર તરફે દાખલ થયો હતો. સાગઠીયાએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરી, ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીત રસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણા મેળવી, તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે મિલકતમાં રોકાણ કર્યાનું પ્રાથમિક દૃષ્ટીએ ફલિત થયું હતું. કાયદેસરની આવક રૂપિયા 2,57,17,359 ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ રૂપિયા 13,23,33,323 કર્યાનું તપાસ દરમિયાન ફલિત થયું છે. એટલે કે આવકના પ્રમાણમાં રૂપિયા 10,55,37,355ની વધુ સંપત્તિ વાસાવી હોવાનું સામે આવ્યું છે. જે તેઓની આવકના પ્રમાણમાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકતો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *