રાજકોટમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા નથી. વરસાદ અને તડકાની બેવડી સીઝનમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે મનપાની ફૂડ શાખાએ જુદા-જુદા વિસ્તારમાં ખાણીપીણીના સ્થળે સઘન ચેકીંગ ડ્રાઇવ શરૂ કરી છે, જેમાં કાલાવડ રોડના પ્રેમ મંદિર સામે આવેલા હોકર્સ ઝોનની લારીઓ સહિત ખાણીપીણીની 5 જગ્યામાંથી વાસી ઘુઘરા, ચટણી, ભૂંગળા, સાઉથ ઇન્ડિયન નાસ્તા, મસાલા મળી 37 કિલો ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. હોકર્સ ઝોનમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી ચીજવસ્તુઓ સામે આવી છે.
ફૂડ શાખાના ચેકિંગ દરમિયાન પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ ખાતે આવેલ બાલાજી છોલે રાઈસ કુલ્ચામાં વાસી અખાદ્ય ઘૂઘરા અને સમોસાની ચટણી મળી કુલ 12 કિલો નાશ કરાયો હતો. જયારે એ.જી. ચોક પાસે, ક્રિસ્ટલ સ્કૂલ પાસે આવેલ હરિકૃષ્ણ દાળ પકવાનમાંથી વાસી અખાદ્ય ભૂંગળા બટેટાનો મસાલો 5 કિલો, ભૂંગળા 2 કિલો અને ચટણી 2 કિલો મળી કુલ 9 કિલો, પ્રેમ મંદિર સામે બાલાજી સાઉથ ઇન્ડિયનમાંથી વાસી અખાદ્ય મેંદુવડા, દાળવડા 5 કિલો અને ચટણી 2 કિલો મળી કુલ 7 કિલો, હરસિદ્ધિ વડાપાઉંમાં અખાદ્ય બટેટાનો મસાલો અને ચટણીનો પાંચ કિલો માલ તથા શિવમ મદ્રાસ કાફેમાંથી 4 કિલો મસાલાનો નાશ કરી સંભારનો નમુનો લેવાયો હતો અને તમામ પાંચ ધંધાર્થીને નોટિસ આપવામાં આવી હતી.