રાજકોટના જસદણમાં શક્તિ એગ્રો એક્સપોર્ટના નામે ધંધો કરતાં વેપારી સાથે મહેસાણાના બ્રોકર અને બે અલગ અલગ પેઢીના માલિકે છેતરપિંડી આચરી છે. 3 શખસે 21 હજાર કિલો ચણાનો જથ્થો ખરીદી બાદમાં ફક્ત 3 લાખ આપ્યા હતા અને બાકી રહેતા 9.71 લાખ ન આપતા છેતરપિંડીની જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.
જસદણમાં ગંગાભુવન ખોડિયારનગરની બાજુમાં રહેતાં 45 વર્ષીય નરેશભાઈ ગોરધનભાઈ પોલરાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જયેશ તિરૂપતિ બ્રોકર મહેસાણા, શ્રી મારૂતિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સિદ્ધપુર અને નીલકંઠ એન્ટરપ્રાઇઝ કરજણનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ જસદણ આટકોટ રોડ પર જસદણ ધ્રુવ કોટનની બાજુમાં શક્તિ એગ્રો એક્સપોર્ટ એલ.એલ.પી. નામે ધંધો કરે છે. જેમાં અનાજ કઠોળની જણશી યાર્ડમાંથી ખરીદી કરી માલ કલીનીંગ કરી શોર્ટ્સ કરી વેચાણ કરવામાં આવે છે.
ગત તારીખ 25મી માર્ચ 2024ના રોજ તેમની સાથે કામ કરતા રવિ છાયાણી ખાનપર રોડ ખાતે ઓફીસે હોય ત્યારે તેઓને તીરૂપતી બ્રોકર મહેસાણા વાળા જયેશનો ફોન આવ્યો હતો અને ચણાની ખરીદી બાબતે વાત કરી હતી. આ માલ શ્રી મારૂતી એગ્રો ઇન્ડ. સિધ્ધપુરને આપવાનો છે તેવું કહ્યું હતું. જેથી મારુતિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનો 10,020 કિલોનો પર્ચસ ઓર્ડર મોકલ્યો હતો અને માલ પણ મોકલ્યો હતો. તેમજ આ માલનું પેમેન્ટ બીજા દિવસે આપી દેશે તેવું જણાવ્યું હતું. ઉપરાંત શ્રી નીલકંઠ એન્ટરપ્રાઇઝ નામની પેઢીને 10 હજાર કિલો ચણાનો પર્ચેજ ઓર્ડર મોકલી માલ આપ્યો હતો.