રાજકોટના ત્રંબા કસ્તુરબાધામમાં સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓની કુમાર પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી 2 વર્ષ પહેલા તોડી પાડવામાં આવી હતી પરંતુ, આજે 2 વર્ષ બાદ પણ નવુ સ્કૂલનું બિલ્ડિંગ ન બનતા વિદ્યાર્થીઓને ટાઢ, તાપ અને વરસાદમાં કન્યા શાળાની લોબીમાં અને સ્કૂલના મેદાનમાં બેસીને ભણવા માટેની ફરજ પડી છે. આ સમસ્યા અંગેની રજૂઆત કરવા માટે તાલુકા પંચાયતના સભ્ય નીશીત ખૂંટ વાલીઓને સાથે રાખી રાજકોટ જિલ્લા પંચાયત કચેરી પહોંચ્યા હતા. અહીં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ પોતાની રજૂઆત મૂકીને નવુ સ્કૂલ બિલ્ડિંગ બનાવવા અંગે રજૂઆત કરી હતી.
તાલુકા પંચાયતના સભ્ય નીશીત ખૂંટે આ સમસ્યા અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કસ્તુરબાધામ કુમાર પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી 2 વર્ષ પહેલાં તોડી પાડવામા આવી હતી અને આ કારણોસર શાળાનાં વિદ્યાર્થીઓને કન્યા શાળામાં શિફ્ટ કરવામા આવ્યા. સ્કૂલનું બિલ્ડીંગ નવું બનાવવા માટે વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા આજે વાલીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલને રજૂઆત કરી છે. હાલ ધો. 1થી 8 અને બાલવાટિકા મળી 250 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 વર્ગખંડ છે. જેથી, 2 પાળીમાં શાળા ચાલે છે અને છેલ્લા 2 વર્ષથી 2 પાળીમાં 4 વર્ગના વિદ્યાર્થીઓ ટાઢ, તાપ અને વરસાદમાં સ્કૂલના મેદાન અને લોબીમાં બેસી ભણવા મજબૂર બન્યા છે.