રાજ્ય સરકાર અને રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા હાલમાં દરેક મિટિંગોમાં સરકારી જમીનોમાં દબાણો દૂર કરવા આદેશ કરવામાં આવે છે ત્યારે રાજકોટ તાલુકા બાદ જિલ્લામાં સૌથી વધુ દબાણ ધરાવતા તાલુકામાં જેની ગણના થાય છે તે કોટડાસાંગાણી તાલુકામાં સ્ટાફના અભાવે દબાણો આઇડેન્ટિફાય કરવાની એટલે કે સર્વેની કામગીરી ઘોંચમાં પડી છે. ભૂતકાળમાં તત્કાલીન કલેક્ટર ડો.વિક્રાંત પાંડેના કાર્યકાળમાં મામલતદાર રાજેશ આલ અને તેની ટીમે કરોડો રૂપિયાની સરકારી જમીનો ખુલ્લી કરાવી હતી જ્યાં ફરી દબાણો થઇ ગયાની ચર્ચા છે પરંતુ સ્ટાફના અભાવે સર્વે થઇ શકતો ન હોવાની રાવ ઉઠી છે.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા છ માસથી સરકારી જમીનોમાં દબાણો દૂર કરવા મુદ્દે દરેક મિટિંગોમાં સરકારી જમીનોમાં દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવે છે પરંતુ રાજકોટ જિલ્લામાં એકમાત્ર રાજકોટ તાલુકામાં દબાણો દૂર કરવાની કામગીરી નોંધપાત્ર કહી શકાય તે પ્રમાણે થઇ રહી છે, જ્યારે બીજા ક્રમે આવતા કોટડાસાંગાણી અને લોધિકા તાલુકામાં દબાણ હટાવવાની કામગીરી ખૂબ જ નહીંવત કહી શકાય તેવી રીતે ચાલી રહી છે.