લોકપાલની નિમણૂક નહીં કરાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર

વિદ્યાર્થી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સંલગ્ન સમસ્યાનું નિરાકરણ આવે તે માટે યુજીસીએ દેશની તમામ યુનિવર્સિટીમાં લોકપાલની નિમણૂક કરવા માટે આદેશ કર્યા હતા. આ આદેશને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો ઘોળીને પી ગયા છે. બે-બે વખત મુદત આપી હોવા છતાં લોકપાલની નિમણૂક નહિ કરાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને યુજીસીએ ડિફોલ્ટર જાહેર કરી છે. જેને કારણે જે વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરે છે તેના પર અને જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને નીકળી ગયા છે તે તમામ પર અસર આવશે.

જાન્યુઆરી માસમાં યુજીસીએ લોકપાલની નિમણૂક નહિ કરનાર દેશની 256 યુનિવર્સિટીને ડિફોલ્ટ જાહેર કરી હતી. જેમાં રાજ્યની 19 યુનિવર્સિટી હતી. ત્યારબાદ પછીના તબક્કામાં જાહેર કરેલી ડિફોલ્ટરની યાદીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ થયો છે.

લોકપાલની પોસ્ટમાં કોઈ પણ નિવૃત્ત વાઈસ ચાન્સેલર,10 વર્ષનો અનુભવ ધરાવતા નિવૃત્ત પ્રોફેસર અથવા તો ભૂતપૂર્વ જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કરવાની હોય છે. વિદ્યાર્થીઓના પ્રશ્ન સ્થાનિક કક્ષાએ ઝડપથી નિરાકરણ આવે તે માટે લોકપાલની નિમણૂક કરાતી હોય છે. આ સિવાય જો કોઈ વિદ્યાર્થીઓ ફરિયાદ નિવારણ સમિતિ પાસેથી રાહત મેળવવામાં નિષ્ફળ જાય તો ન્યાય માટે લોકપાલનો સંપર્ક કરી શકે છે. જ્યારે કોઇ યુનિ. ડિફોલ્ટરની યાદીમાં આવે તો યુજીસી રેગ્યુલેશન મુજબ શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *