રાજ્ય સરકારનો કલેક્ટરોને આદેશ, ફાયર NOC ન હોય તેની સામે ગુનો નોંધો

રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનાને કારણે સરકારને માથે કાળીટીલી લાગી છે. ત્યારે હવે સરકારે આળસ ખંખેરી અને સક્રિયતા બતાવવાની શરૂઆત કરી છે. બચાવ કામગીરી અને તપાસ બાદ હવે સરકાર ત્રીજા તબક્કામાં એટલે કે, એક્શનની ભૂમિકામાં જોવા મળી રહી છે. આજે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. આ નિર્ણયને પગલે કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે. જેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કડક પગલાં ભરવા આદેશ કર્યા છે.


રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરને આપેલી સૂચના અનુસાર, રાજકોટની ઘટનાનું રાજ્યમાં ફરીથી પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ અનુસાર, રાજ્યમાં તમામ શહેરનાં મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતનાં તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે એ તમામ સ્થળોની ચકાસણી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *