ઇઝરાયલે ઈરાનના હુમલાના 6 દિવસ બાદ શુક્રવારે સવારે લગભગ 6 વાગ્યે (ભારતીય સમય મુજબ) જવાબી કાર્યવાહી કરી હતી. એબીસી ન્યૂઝ મુજબ ઇઝરાયલે ઈરાનના ન્યૂક્લિયર પ્લાન્ટવાળા ઈસ્ફહાન શહેરને નિશાન બનાવ્યું હતું. ટાઈમ્સ ઓફ ઈઝરાયલે કહ્યું હતું કે આ હુમલો ઈરાનના એરબેઝ પર થયો હતો. ઈઝરાયલે ઈરાન પર હુમલો કરીને સંતોષ નથી માન્યો, પણ ઈરાક અને સિરિયામાં પણ એરસ્ટ્રાઈક કરી છે. આ હુમલો ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીના જન્મદિવસ પર થયો છે. એવો દાવો ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને ઈરાન એક સમયે મિત્ર દેશ હતા અને આ ખોમેનીના કારણે જ દુશ્મન બની ગયા.
ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો છે. એબીસી ન્યૂઝે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.
ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટ રડાર અનુસાર, વિસ્ફોટો બાદ ઘણી ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસથી ડાઇવર્ટ કરવામાં આવી છે. સીએનએન ન્યૂઝ અનુસાર, લગભગ 8 વિમાને તેમનો રૂટ બદલ્યો હોવાના અહેવાલ છે.
ઇસ્ફહાન એ જ પ્રાંત છે, જ્યાં નાટાન્ઝ સહિત ઇરાનની ઘણી પરમાણુ સાઇટ્સ આવેલી છે. નાટાન્ઝ ઈરાનના યુરેનિયમ કાર્યક્રમનો મુખ્ય ભાગ છે. આ પહેલાં 14 એપ્રિલે ઈરાને ઇઝરાયલ પર 300થી વધુ મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમણે ઇઝરાયલના નેવાતિમ એરબેઝને નિશાન બનાવ્યું હતું, જ્યાં થોડું નુકસાન પણ થયું હતું.