રાજકોટના કોઠારિયા રોડ પર આઈસરે એક્ટિવાને અડફેટે લેતા પિતરાઈ ભાઈઓ ફંગોળાઈ નીચે પટકાયા

રાજકોટ શહેરમાં વધુ એક હિટ એન્‍ડ રનની ઘટના સામે આવી છે. શહેરના કોઠારિયા રોડ બ્રહ્માણી હોલ નજીક એક્‍ટિવાને પાછળથી આઇસરનો ચાલક ઠોકરે લઈ નાસી છૂટતા એક્‍ટિવાચાલક પ્રૌઢ અને પાછળ બેઠેલા તેમના પિતરાઈ ભાઈ ફંગોળાઇ જતાં બંનેને ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જેમાં પિતરાઈ ભાઈનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, બંને ભાઈઓ ખોખડદળ ગામે સગાઈ પ્રસંગમાંથી પરત ઘરે આવી રહ્યા હતાં ત્‍યારે રાત્રે અકસ્માત થયો હતો.

રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રિના 10 વાગ્યા આસપાસ કોઠારિયા રોડ પર આવેલા બ્રહ્માણી હોલ નજીક એક્‍ટિવાને પાછળથી આઇસર ટ્રકના ચાલકે ઠોકર મારતાં એક્ટિવા ચાલક ધનસુખભાઈ કિશોરભાઈ ગોંડલિયા (ઉં.વ.54) તથા પાછળ બેઠેલા તેમના ફઈના દીકરા રાજેશભાઈ ભીખુભાઈ શિશાંગિયા (ઉં.વ.50) રસ્તા પર પટકાયા હતા અને બન્નેને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં.​​​​​​​ ઇમર્જન્‍સી વોર્ડમાં બન્ને પિતરાઈ ભાઈઓને દાખલ કરવામાં આવ્‍યા હતાં. પરંતુ વહેલી સવારે રાજેશભાઈ શિશાંગિયાએ દમ તોડી દેતાં પરિવારે કલ્‍પાંત કર્યો હતો. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. જે બાદ આજીડેમ પોલીસે આવી મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *