રાજકોટ મહાનગરપાલિકાનાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેસ લીકેજથી જીવનું જોખમ રહેતું હોય છે. ત્યારે આ અંગે કામદારો જાગૃત થાય તે માટે મેન્ટેનન્સ એજન્સી અને કામદારો માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેફ્ટીના સાધનોના વપરાશ અંગેની તાલીમ આપી સુએજમાં ઉત્પન્ન થતાં ગેસની ગંભીર અસરો તથા ક્લોરીન ગેસનાં લીકેજના લીધે થતી ગંભીર અસરો વિષે ડેમોસ્ટ્રેશન કરી તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ આ કામગીરી દરમિયાન સેફ્ટી સાધનોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી હતી.
આ તાલીમમાં વોટર સેલ (ડ્રેનેજ) હસ્તક 70 એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગવરીદડ ખાતેનાં સ્ટાફને સેફ્ટીના સાધનોના વપરાશની સમજ આપવામાં આવી હતી. તો સાથે સુએજ ટ્રીટમેન્ટ સાથે સંકળાયેલા ગેસ ક્લોરીન, હાઈડ્રોજન સલ્ફાઈડ, મિથેન, કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી વાયુ કે જે શ્વસન સંબંધીત સમસ્યાઓ સર્જી શકે છે તેમજ જીવલેણ સાબીત થઈ શકે છે. તેવી જ રીતે મિથેન વાયુની 5% સુધીની માત્રા જ્વલંતશીલ સાબીત થઈ શકે છે. તેની માહિતી આપવામાં આવી હતી.