રાજકોટ ડિવિઝનની રિઝર્વેશન ઓફિસ અને બુકિંગ ઓફિસના તમામ કાઉન્ટરો પર 6 જૂનથી QR કોડ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે. છેલ્લા ચાર મહિનામાં 1.16 લાખ મુસાફરોએ QR કોડ દ્વારા ટિકિટ ભાડા ચૂકવ્યા. જેનાથી રાજકોટ ડિવિઝનને આશરે રૂ.1.33 કરોડની આવક થઈ. રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડની સુવિધા અપાઇ રહી છે.
આ સુવિધા રાજકોટ ડિવિઝનના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિતના તમામ નાના-મોટા સ્ટેશનોના તમામ આરક્ષિત અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એક તરફ મુસાફરોને છૂટક નાણાંની સમસ્યામાંથી રાહત મળી છે તો બીજી તરફ રોકડ લઈ જવાની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે. 06 જૂનના રોજ આ સુવિધા શરૂ થઈ ત્યારથી રેલવેને ક્યુઆર કોડ દ્વારા જૂનમાં 26.42 લાખ રૂપિયા, જુલાઈમાં 26.40 લાખ રૂપિયા, ઓગસ્ટમાં 37.77 લાખ રૂપિયા અને સપ્ટેમ્બરમાં 42.83 લાખ રૂપિયાની આવક થઈ છે. આ પ્રયાસ રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ માટેનું પ્રોત્સાહન છે. ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે મુસાફરોને ટિકિટનું ભાડું ડિજિટલ રીતે ચૂકવવા માટે QR કોડનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.