ધોરાજીમાં ભૂગર્ભ ગટરનાં પાણી ઊભરાવાની સમસ્યા હલ કરવા માગ

ધોરાજીમાં વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ભૂગર્ભ ગટરનાં ગંદા પાણીની સમસ્યાઓ હલ કરવા રજૂઆત કરાઈ હતી. ધોરાજી નગરપાલિકા માં કરોડો રૂપિયાના ખર્ચે સારી સુવિધા પ્રજાને મળે તે હેતુથી ભૂગર્ભ ગટર યોજના નાખવામાં આવી હતી પરંતુ જ્યારથી ભૂગર્ભ ગટરનું કામ શરૂ થયું ત્યારથી નગરપાલિકા બદનામ થઈ હતી અને કોન્ટ્રાક્ટરોએ અત્યંત નબળા કામ કર્યા છે તે બાબતે પણ રાજ્યના મુખ્યમંત્રી સુધી અનેક ફરિયાદો કરી હતી પરંતુ કોઈપણ પ્રકારની તપાસ થઇ ન હતી બાદ ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયું અને ભૂગર્ભગટર શરૂ કરવામાં આવી પરંતુ જ્યારથી શરૂ કરવામાં આવી છે ત્યારથી ધોરાજીના અનેક વિસ્તારો ખાસ કરીને મેઇન બજાર, સોની બજાર, મહાલક્ષ્મી શેરી, દરબારગઢ વગેરે વિસ્તારોમાં કાયમ માટે દુર્ગંધ મારતા પાણીની નદી વહેતી હોય એ દ્રશ્ય સામાન્ય બની રહ્યું છે.

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરાએ જણાવ્યું હતું કે ધોરાજી સોની બજાર આસ પાસ હિંદુ-મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો આવેલા છે જેમાં વૈષ્ણવ સંપ્રદાયની મોટી હવેલી, જૈન સમાજનું જૈન દેરાસર, હિન્દુ સમાજનું ધર્મસ્થાન મહાલક્ષ્મી મંદિર હનુમાનજી મંદિર બાલયોગી હનુમાનજી મંદિર, મુસ્લિમ સમાજના આસ્થાનું પ્રતિક હઝરત લાલશાહ બાવાની દરગાહ, કોટેશ્વર મહાદેવ મંદિર આવેલા છે અને આ જ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું છલકાતું ગંદુ પાણી સતત વહ્યા કરે છે.આ પાણીના લીધે રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે ત્યારે હવે તંત્રએ આળસ ખંખેરીને આ બાબતે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાનો સમય પાકી ગયો છે તેમ વેપાર મંડળે ઉમેર્યું હતું.છેલ્લા બે વર્ષથી ધોરાજી પાલિકામાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે અને પાયાની સુવિધા આપવામાં જ વહીવટદાર નાકામ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *