રાજકોટ શહેરના જામનગર હાઈવેને જોડતા અને વાહનચાલકો માટે અતિ મહત્વના એવા સાંઢિયા પુલના નવનિર્માણની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ ચૂકી છે. છેલ્લા ઘણા સમયથી શહેરના પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોનના ટ્રાફિક માટે માથાના દુખાવા સમાન બનેલી આ સમસ્યાનો હવે સુખદ અંત આવવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રોજેક્ટના લોકાર્પણને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે રાજકોટ મ્યુનિસિપલ તંત્રને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. અને જણાવ્યું છે કે, મનપા દ્વારા આવતીકાલે લોકાર્પણ નહીં થાય તો શનિવારે હાથમાં ગદા લઈને હનુમાનજીના નામે બ્રિજ જનતા ચરણોમાં સમર્પિત કરાશે.
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોષીએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ-જામનગરને જોડતો આ મહત્વનો બ્રિજ, જે જૂનો સાંઢિયા પુલ હતો, તે ઘણા સમયથી બનીને તૈયાર થઈ ગયો છે પરંતુ સત્તાધીશો દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવતું નથી. ભાજપના ચૂંટાયેલા નેતાઓ પોતે મેયર બની જાય પછી આ બ્રિજનું લોકાર્પણ કરવાની ગોઠવણ કરે છે. ભાજપે આ બ્રિજ પોતાના ખિસ્સાના પૈસાથી નથી બનાવ્યો, રાજકોટની જનતાએ ભરેલા વેરાના પૈસામાંથી આ બ્રિજનું નિર્માણ થયું છે.
ત્યારે જો આવતીકાલ સુધીમાં બ્રિજ સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી આગામી શનિવારે હનુમાનજીનું નામ લઈને અને હાથમાં ગદા ધારણ કરીને ત્યાં પહોંચશે અને બ્રિજ ખુલ્લો મૂકી દેશે. તંત્રએ ગમે તેટલો જાપ્તો ગોઠવવો હોય એટલો ગોઠવી લે, પરંતુ આમ આદમી પાર્ટી પરમ દિવસે ત્યાં જઈને બ્રિજ ખુલ્લો મૂકશે કારણ કે ભાજપના શાસકોએ હનુમાનજીના ઘણા મંદિરો તોડી પાડ્યા છે. મીડિયાના માધ્યમથી કમિશનરને વિનંતી છે કે આવતીકાલે જ આ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવે જેથી અમારે આવા પગલાં ન ભરવા પડે, અન્યથા પરમ દિવસે ‘આપ’ આ બ્રિજ ખુલ્લો કરાવશે તેવી ખુલ્લી ચેલેન્જ પણ તેઓએ આપી છે.