ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાના કારણે ક્રુડની સપ્લાયને માઠી અસર પડી છે. આ અસર હવે સૌરાષ્ટ્ર-ગુજરાતના પેટ્રોલ પંપ પર દેખાવાની શરૂ થઈ ચૂકી છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરાયા બાદ પણ પંપ પર પૂરતું ડીઝલ મળતું ન હોવાની ફરિયાદો ઉઠી છે. ડીઝલની અછતના કારણે સૌથી મુશ્કેલ સ્થિતિ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની થઈ છે. ડીઝલ મળશે કે નહીં તેની સ્થિતિ સ્પષ્ટ ન હોવાના કારણે ટ્રાન્સપોર્ટર ભાડા લેતા ડરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટરને હાલ કેવી કેવી તકલીફ પડી રહી છે તે જાણવા દિવ્ય ભાસ્કરે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી સાથે વાત કરી હતી.
રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હસુભાઈ ભગદેવએ જણાવ્યું હતું કે, યુદ્ધની અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર તો છે તેની સાથે સાથે બીજા ઉદ્યોગો ઉપર પણ અસર જોવા મળી છે. ડીઝલના ભાવમાં વધારો પણ થયો છે એટલે પણ મુશ્કેલી સર્જાય રહી છે સાથે સાથે માત્ર 50 લીટર ડીઝલ આપવામાં આવી રહ્યું છે ટ્રકમાં 50 લીટર ડીઝલ આપે તો એ 150-200 કિલોમીટર સુધી ચાલી શકે પછી આગળ ક્યાં અને ક્યારે ડીઝલ કેટલું મળે તેનું કંઈ નક્કી રહેતું નથી. માટે હાલ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર યુદ્ધની ખુબ મોટી અસર થવાની શરૂઆત થઇ ચુકી છે. ટ્રાન્સપોર્ટમાં માલ લાવવા મોકલવા પર અમે કોઈ ભાવ વધારો હજુ સુધી કર્યો નથી કારણ કે હાલમાં ડીઝલ પૂરતું ન મળવા કારણે અમે વાહન આગળ મોકલી શકતા નથી. આ સ્થિતિ માત્ર રાજકોટ નહિ સૌરાષ્ટ્ર ગુજરાત અને બીજા રાજ્યોમાં પણ સર્જાઈ રહી છે આના માટે સરકારે ચોક્કસ કોઈ વિચારણા જરૂર કરવી પડશે.