ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત વિકેટો ઝડપવી પણ ક્યારેય ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની ગેરંટી હોતી નથી. આવી જ કહાની અનુભવી સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાની છે. 36 વર્ષીય જાડેજાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત વિકેટો ઝડપી, પરંતુ અત્યાર સુધી તેને ભારતીય સિનિયર ટીમ માટે રમવાની તક ન મળી. ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ-A અને T20 ક્રિકેટ મળીને આ ડાબોડી સ્પિનરે 609 વિકેટો ઝડપી છે. રણજી ટ્રોફીમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, પરંતુ અત્યાર સુધી તે ભારતીય સિનિયર ટીમમાં સ્થાન બનાવી શક્યા નથી.
ધર્મેન્દ્રસિંહ જાડેજાની બોલિંગના આંકડા જબરદસ્ત
રવીન્દ્ર જાડેજાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવી, જ્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજાની કારકિર્દી ડોમેસ્ટિક ક્રિકેટમાં વીતી. અહીં તેણે પોતાની બોલિંગથી એવા આંકડા ઊભા કર્યા છે, જેમને નજરઅંદાજ કરવા સરળ નથી. ધર્મેન્દ્રસિંહે 100 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 26.25ની એવરેજથી 423 વિકેટો લીધી છે. તે 26 વખત ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટો લઈ ચૂક્યો છે, જ્યારે સાત વખત તેણે એક મેચમાં 10 કે તેથી વધુ વિકેટો ઝડપી છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઈનિંગ્સમાં તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 7/32 રહ્યું છે. આ આંકડા દર્શાવે છે કે તે માત્ર લાંબા સમય સુધી રમનારા બોલર જ નથી રહ્યો, પરંતુ સતત વિકેટો ઝડપનારા સૌરાષ્ટ્રના પ્રમુખ હથિયારોમાં સામેલ રહ્યો છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાની સૌથી મોટી સિદ્ધિઓમાંથી એક રણજી ટ્રોફીમાં તેનું સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન છે.
2017-18 સીઝનથી લઈને અત્યાર સુધી ધર્મેન્દ્રસિંહ જાડેજા 293 રણજી વિકેટો લઈ ચૂક્યો છે. આ સમયગાળામાં કોઈ પણ બોલરે તેનાથી વધુ વિકેટો લીધી નથી. આમ છતાં ભારતીય ટેસ્ટ ટીમમાં તેને તક મળી શકી નહીં. ભારત પાસે આ દરમિયાન રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ જેવા સ્પિન વિકલ્પો હાજર રહ્યા, જેના કારણે નેશનલ ટીમમાં સ્થાન મેળવવાની સ્પર્ધા અત્યંત કઠિન રહી.