રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે જેમાં સોની વેપારી સાથે CNC મશીન ખરીદીના નામે રૂ.67.26 લાખની છેતરપીંડી થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સોનીબજારમાં જય ભવાની ડાઇસ મેકર્સ નામથી પેઢી ધરાવતા કૂણાલભાઈ પાલાએ સાવરિયા કોર્પોરેશન પેઢીને CNC મશીનનો ઓર્ડર આપ્યો હતો જે બાદ આરોપીઓએ લાખો રૂપીયા મેળવી પોતાની પેઢીને તાળા મારી ફરાર થઇ જતાં કૃણાલ ભરતભાઈ પાલા (ઉ.વ.26)એ સાવરિયા કોર્પોરેટર પેઢીના પ્રોપાઈટર રાહુલ સાગઠિયા, જયદીપ ગીરીશ નનેરા અને જયદીપ પટેલ સહિતના શખ્સોના વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ વધુ તપાસ હાથ ધરી છે.
ફરીયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સોનીબજાર જુની ગંધીવાડ માધવ કોમ્પલેક્ષ ખાતે બીજા માળે ઓફિસ નં.213માં જય ભવાની ડાઇસ મેકર્સ નામથી પેઢી ધરાવી સોના-ચાંદીનો વેપાર કરે છે તેમના મિત્ર નૈમિસભાઇ અનાડા કે જે લોન અંગેનું કામકાજ કરે છે તેઓના મકાનની તથા દુકાનની લોન નૈમિસભાઈ મારફતે કરાવી છે જેથી બંન્ને છેલ્લા દોઢેક વર્ષથી એકબીજાના પરીચયમાં હતા. સોના ચાંદીના ધંધાના ડાઇસ કામ માટે CNC મશીનની જરૂરત હોવાથી ત્રણેક મહિના પહેલા દુકાને નૈમિસભાઈ અનાડાને CNC મશીન ખરીદ કરવા બાબતે વાત કરી હતી જેથી નૈમિસભાઇએ તેમના મિત્ર રીધમભાઇ તોગડીયાને મશીન લેવા માટે વાત કરી જણાવ્યું કે, તમારૂ CNC મશીન આપણા ભાવમાં થઈ જશે.
એકાદ અઠવાડીયા પછી ફરીયાદીનાં પિતા ભરતભાઈ પાલા, ભાઈ કિશનભાઈ પાલા અને નૈમિસભાઈ અનાડા 150 ફૂટ રીંગરોડ, શિલ્પ કોમ્પ્લેક્ષ, અમૃતા હોસ્પિટલ બાજુમા આવેલ સાવરીયા કોર્પોરેશન નામની પેઢી ખાતે રૂબરૂ ગયા હતા ત્યાં આશિષ પટેલ, જયદીપ નનેરા હાજર હતા. અશીષએ જણાવ્યું કે, આ પેઢીના પ્રોપ્રાઈટર તરીકે રાહુલ સાગઠીયા છે જે હાલ હાજર નથી. હું અને જયદીપ બન્ને સાથે મળીને પેઢીમાં કામ કરીએ છીએ. બાદમાં પિતાએ તેઓને CNC મશીન ખરીદવા બાબતે વાતચીત કરી અને તેઓએ મશીનના ફાઇનલ ભાવ રૂ.67.26 લાખનું કોટેશન કાઢી આપેલ હતુ.