સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દારૂ સહિતની વસ્તુઓની હેરફેર થતી હોય છે ત્યારે પોલીસ કમિશનરની પીસીબીની ટીમે પૂર્વ વિસ્તારમાં નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. નિકોલ વિસ્તારમાં કઠવાડા નજીક આવેલા ટેબલી ગામમાં મકાનમાંથી 1231 વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. માતા અને પુત્રએ ભેગા મળી ગામના બંધ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને મૂકી રાખ્યો હતો અને અલગ અલગ વ્યક્તિઓને આપવાનો હતો. પોલીસે હાલ કઠવાડા ગામમાં રહેતી મહિલા અને તેના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
બંધ મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી પીસીબી સ્ક્વોડના પીઆઈ જે.પી.જાડેજાની ટીમને બાતમી મળી હતી કે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કઠવાડા નજીક આવેલા ટેબલી ગામમાં હનુમાનજી મંદિર નજીક એક બંધ મકાનમાં મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલો મૂકી રાખવામાં આવેલી છે. જેના આધારે પોલીસે બાતમીવાળા મકાનમાં દરોડો પાડયો હતો. મકાનમાં અનિતાબેન ચુનારા (રહે. રાજીવનગરના કાચા છાપરા, કઠવાડા) નામની મહિલા હાજર મળી આવી હતી. પોલીસે ઘરમાં તપાસ કરતા અલગ-અલગ પુઠાના બોક્સ મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો અને બિયરનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું.