રાજકોટમાં સરકારી અધિકારીઓના નામે લાખો રૂપિયા પડાવતી સાયબર ગુનેગારોની ગેંગ સક્રિય થઈ છે. છેલ્લા બે દિવસમાં PGVCL અને રૂડા (RUDA) જેવી મોટી સરકારી કચેરીઓને નિશાન બનાવીને સાયબર સ્કેમર્સ રુપિયા પડાવી રહ્યા છે. 4મેએ PGVCLના MDના નામે રૂપિયા 45 લાખનું સાયબર ફ્રોડ થયા બાદ આજે 5મેએ સાયબર ગઠિયાઓએ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ એરિયા (રૂડા)ના ચેરમેનના નામે રૂપિયા 30 લાખની માંગણી કરવામાં આવી હતી.
PGVCLના MDના નામે 45 લાખનો ફ્રોડ રાજકોટ PGVCLના ફાઇનાન્સ વિભાગના જનરલ મેનેજર કિંતુકુમાર મલકાનને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ નંબરના પ્રોફાઇલ પિક્ચરમાં PGVCLના MD કેતન જોશીનો ફોટો રાખવામાં આવ્યો હતો. મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે, “આ મારો પર્સનલ નંબર છે, હું મીટિંગમાં છું એટલે કોલ ઉપાડી શકીશ નહીં.” ત્યારબાદ તાત્કાલિક ધોરણે એકાઉન્ટમાં 45.60 લાખ રૂપિયા RTGS કરવા સૂચના આપી હતી.
અધિકારીએ આદેશ સમજીને PGVCLના ખાતામાંથી પેમેન્ટ કરી દીધું હતું. જોકે, જ્યારે ફરીથી બીજા 30.60 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી, ત્યારે શંકા જતાં તેમણે રૂબરૂ MDની મુલાકાત લીધી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે MDએ આવો કોઈ મેસેજ કર્યો નહોતો. આ અંગે તુરંત સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે.