સાયબર ક્રાઇમે રાજસ્થાની શખ્સની ધરપકડ કરી, કોઈન વેચાણ પર 25% કમિશનની લાલચ આપી’તી

ડેટિંગ એપની એજન્સી અપાવવાના નામે ફ્રોડ આચરતા રાજસ્થાની શખ્સને રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ટોકી અને સુગો એપ મારફત કોઈન લે-વેંચ કરતાં શાપરના યુવકને એપમાંથી જ નિકળેલા એજન્ટે એજન્સી જ લઈ 25% કમિશન તથા અન્ય લાભો મળવાની લાલચ આપી ફસાવી એપ્રુવલ પ્રોસેસના નામે રૂપિયા પડાવી લીધા હતા.

કોઈન વેચાણ પર 25% કમિશનની લાલચ આપી ગત તા.30 જુલાઈ, 2026ના રોજ ફરિયાદી દ્વારા રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમને ટોકી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં એકાઉન્ટ બનાવ્યું હતું અને તેમાં અવાર નવાર રીચાર્જ કરી અને કોઇન મેળવી તે કોઇન આ એપમાં અન્ય વ્યકતિઓ તથા મહિલાઓ સાથે વાતચીત કરવા માટે વાપરતો હતો. દરમ્યાન ફરિયાદીને મોબાઇલ અજાણ્યા નંબર પરથી ફોનમાં પોતે ટોકી કંપનીનો એજન્ટ હોવાનું જણાવી કંપનીની એજન્સી ખરીદવાથી કોઈન વેચાણ પર 25% કમિશન તથા અન્ય લાભો મળવાની લાલચ આપી હતી.

ત્યારબાદ અલગ અલગ રીતે અને સમયે સંપર્ક કરી ટોકી એપ્લિકેશનમાં આઈડી શરૂ કરવા, એજન્સી ખરીદવા તથા એપ્રુવલ પ્રક્રિયાના બહાને વિવિધ ક્યુઆર કોડ મારફતે અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.17,81,173 ઓનલાઇન ટ્રાન્જેકશન મારફત આપ્યા હતા. આમ છતાં ફરિયાદીને ટોકી એપ્લિકેશનની એજન્સી કે આઈડી ન આપતા અવાર નવાર મેસેજ તથા ઇન્ટાગ્રામ એપ.માં ટેકસ મેસેજ કરી વધુ રકમની માંગણી કરી હતી. જો કે બાદમાં ફરિયાદીને પોતે છેતરાયા હોવાની જાણ થતા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપી સુરેન્દ્રકુમાર હીરાલાલ સીહાગની ધરપકડ કરવામાં આવી છે. જે મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી દ્વારા ફ્રોડની તમામ રકમ વાપરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા તમામ ટ્રાન્ઝેક્શન તેમજ બેન્ક એકાઉન્ટ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *