સરકારે એવિએશન ફ્યુઅલમાં ઇથેનોલ ભેળવવાની મંજૂરી આપી

સરકારે એવિએશન સેક્ટરમાં પ્રદૂષણ ઘટાડવા અને મોંઘા ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા માટે એક મોટું પગલું ભર્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)માં ઇથેનોલ બ્લેન્ડિંગને મંજૂરી આપી દીધી છે.

આ માટે સરકારે નોટિફિકેશન બહાર પાડીને ATF માર્કેટિંગ નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નિર્ણયથી માત્ર હવાઈ મુસાફરી સ્વચ્છ બનશે એટલું જ નહીં, પરંતુ ભારતની વિદેશી ઓઇલ પરની નિર્ભરતા પણ ઘટશે.

નવા નિયમો હેઠળ ફ્યુઅલની વ્યાખ્યા બદલાઈ

મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, હવે એવિએશન ટર્બાઇન ફ્યુઅલની વ્યાખ્યાને અપડેટ કરવામાં આવી છે. હવે ATFમાં હાઇડ્રોકાર્બન સાથે સિન્થેસાઇઝ્ડ કમ્પોનન્ટ્સ (જેમ કે ઇથેનોલ)ને પણ સામેલ કરી શકાશે.

આ ભારતીય ધોરણોને અનુરૂપ હશે. સરકારનો આ ફેરફાર આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF)ના ચલણને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

ઓઇલની આયાત અને વિદેશી હૂંડિયામણની બચત થશે

ભારત તેની જરૂરિયાતનું લગભગ 87% ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી આયાત કરે છે. મિડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે ઘણીવાર ઓઇલની કિંમતોમાં ઉતાર-ચઢાવ રહે છે, જેની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા પર પડે છે.

હવાઈ ઇંધણમાં ઇથેનોલ ભેળવવાથી ક્રૂડ ઓઇલનો વપરાશ ઘટશે, જેનાથી સરકારને વિદેશી મુદ્રા બચાવવામાં મદદ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *