છત્તીસગઢના સક્તિ જિલ્લામાં વેદાંતા પાવર પ્લાન્ટમાં મંગળવારે બપોરે બોઈલર ફાટ્યું. આ દુર્ઘટનામાં 12 મજૂરોના મોત થયા છે. ASP પંકજ પટેલે તેની પુષ્ટિ કરી છે. 4 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 18 ઘાયલોને રાયગઢની જિંદલ ફોર્ટિસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં 8 મજૂરોએ દમ તોડ્યો છે. બાકીના 10 ઘાયલોની હાલત ગંભીર છે. મજૂરો 80% દાઝી ગયા છે.
આ ઘટના ડભરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આ દુર્ઘટનામાં 30 થી 40 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા છે. રાયગઢની મેટ્રો હોસ્પિટલમાં 3 ઘાયલોની સારવાર ચાલી રહી છે. 2 મજૂરોને એપેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 6 ગંભીર રીતે ઘાયલોને બિલાસપુર રિફર કરવામાં આવ્યા છે.
દુર્ઘટના બાદ પ્લાન્ટની બહાર મજૂરોના પરિવારોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે મેનેજમેન્ટ સામે કાર્યવાહી અને વળતરની માગ કરી. કેટલાક મજૂરો ગુમ છે. પરિજનોનું કહેવું છે કે મેનેજમેન્ટ કોઈ માહિતી આપી રહ્યું નથી. જ્યારે કલેક્ટર અમૃત વિકાસ તોપનોએ મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે.
PMO એ વળતરની જાહેરાત કરી છે. PMNRF માંથી દરેક મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી.