ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ આજે 19 ઓગસ્ટના વિંછીયા આઇ.ટી.આઇ. દ્વારા ડ્રોન ટેકનોલોજીના અભ્યાસક્રમના પ્રારંભ માટે અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે સમીક્ષા બેઠક તેમજ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.ડ્રોન ટેકનોલોજી અભ્યાસક્રમનો પ્રારંભ કરવા માટે જરૂરી વિશાળ મેદાન સહિતની માળખાકીય સુવિધાઓ અમરાપુર શૈક્ષણિક સંકુલ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે. અહીં ખેડૂત પરિવારના સભ્યો માત્ર રૂ.1,450 માં આ કોર્સ કરી શકશે. જ્યારે અન્ય યુવાનો અને યુવતીઓ આ કોર્સ રાહતદરે કરી રોજગારી મેળવી શકશે.
મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કુલ 4 આઇ.ટી.આઇ.માં ડ્રોન ટેકનોલોજીનો અભ્યાસ શરૂ થઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં કાલાવડના અમરેલી ખાતે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. વીંછીયા આઈ.ટી.આઈ દ્વારા અમરાપુર ખાતે ટૂંક સમયમાં આ અભ્યાસક્રમનો પ્રારંભ થશે. ધોરણ 10 પાસ કોઈ પણ યુવક- યુવતી આ અભ્યાસક્રમમાં જોડાઈ કૃષિ સહિત વિવિધ ક્ષેત્રે રોજગારી મેળવી શકશે.
આ કોર્સની ફી રૂ.15,450 છે ત્યારે ખાસ કરીને ખેડૂત પરિવારના દીકરા-દીકરી માત્ર રૂ.1,450માં જ અભ્યાસક્રમમાં જોડાઈ કૃષિ ક્ષેત્રે પરિવારને સહયોગ આપી શકશે. અન્ય પરિવારના છાત્રોને પણ શિષ્યવૃત્તિ મળે તે માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે.વધુમાં કૌશલ્યા યુનિવર્સિટીના સહયોગથી ટૂંકા ગાળાના અભ્યાસક્રમો પણ આઈ.ટી.આઈ. ખાતે શરૂ કરવામાં આવશે. જેનાથી મહિલાઓ તેમજ યુવાનોને સ્વરોજગારી મેળવવામાં અનુકૂળતા રહેશે.
આઈ.ટી.આઈ.ના રિજનલ ડિરેક્ટર કૌશિક કણજારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ ચાર આઈ.ટી.આઈ., કૌશલ્યા યુનિવર્સિટી તેમજ સ્વર્ણિમ ખાતે ચાલી રહેલા ડ્રોન ટેકનોલોજીના અભ્યાસક્રમમા 800થી વધુ લોકોને ડી.જી.સી.એ. માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આગામી સમયમાં જુદી જુદી 13 જેટલી આઈ.ટી.આઈ.માં અભ્યાસક્રમ શરૂ થાય તે માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.