રાજકોટ મહાનગર પાલિકાની આજે 19 ઑગસ્ટે રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં કુલ 14 દરખાસ્ત મુકવામાં આવી હતી જે પૈકી 17.29 કરોડના કામોની 12 દરખાસ્ત મંજૂર કરી એક દરખાસ્ત નામંજૂર કરી અન્ય એક દરખાસ્તમાં વધુ વિગતવાર માહિતી સાથે અપડેટ કરી ફરી રજૂ કરવા પેન્ડિંગ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આજથી મનપા દર મહિને અંદાજિત 40 લાખનું ઇંધણની બચત કરશે અને સ્વચ્છતા માટે કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ માટે રાજકોટ શહેરમાં સ્વચ્છતા સર્વે માટે સરકાર માન્ય એજન્સીને 1.11 કરોડ ફાળવી સર્વે કરાવવામાં આવશે જેના આધારે કેન્દ્ર સરકાર તરફથી રાજકોટ મનપાને ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવશે અને રાજકોટ શહેર સ્વચ્છતા તરફ આગળ વધી શકશે તેવો દાવો મનપાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
રેસકોર્સના ઓડિટોરિયમના નવીનીકરણની દરખાસ્ત નામંજૂર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે, 2.54 કરોડની બે દરખાસ્ત પૈકી એક નામંજૂર કરવામાં આવી છે અને એક દરખાસ્ત પેન્ડિંગ રાખી વધુ માહિતી સાથે આવતી સ્ટેન્ડિંગમાં રજૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. એક નામંજૂર કરવામાં આવેલ દરખાસ્તમાં રેસકોર્સ સંકુલ ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર કેમ્પસમાં ઓડિટોરિયમનું નવીનીકરણ કરવા 1.24 કરોડની દરખાસ્ત નામંજૂર કરી PPP ધોરણે થઈ શકે તો પ્રયત્ન કરવા સૂચન કરવામાં આવ્યું છે.