ગુજરાત ભાડા વિધેયક’ના વિરોધમાં વકીલોની આજથી અચોક્કસ મુદતની હડતાળ

ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યના વકીલોએ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું એલાન કર્યું છે. રાજ્યના 182 વકીલ મંડળોની આગેવાનીમાં કોર્ટ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરાશે. ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં સતત ત્રણ દિવસ વિરોધ પ્રદર્શિત કરાયા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા ગુજરાત બાર એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું આહવાન કરાયું છે.

અમદાવાદમાં વકીલો બાઈક રેલી યોજશે
ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં આજે વકીલો રેલી યોજશે. ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટથી મેટ્રો કોર્ટ રેલી પહોંચશે જ્યાં વકીલો સ્વાગત કરી રેલીમાં જોડાશે.મેટ્રો કોર્ટથી ઇન્કમટેક્સ ગ્રામ્ય કોર્ટ પહોંચ્યા બાદ ગાંધીજીની પ્રતિમા ખાતે રેલીનું સમાપન થશે.

રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સામે રાજ્યભરમાં વકીલોમાં આક્રોશ વ્યાપી ગયો છે. આ વિધેયકના વિરોધમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બોર્ડની બેઠકમાં આગામી 5 ઓક્ટોબરના સોમવારથી સમગ્ર ગુજરાતના તમામ વકીલ મંડળોને અચોક્કસ મુદત માટે કોર્ટ કામગીરીથી અળગા રહી સ્વૈચ્છિક હડતાળ પર જવા આહવાન કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. વકીલોએ આ કાયદા સંદર્ભે સંતોષકારક નિરાકરણ ન આવે ત્યાં સુધી લડી લેવાનો મૂડ બનાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *