રાજકોટમાં રેલ્વે સ્ટેશન પરથી બાળક ગુમ થતા તેના મામા ફરિયાદ કરવા માટે રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જો કે તે સમયે ફરજ પરના મહિલા ASI કામિનીબેન મારણકા ગોદડું ઓઢી સુતા હતા અને 24 કલાક રાહ જુઓ પછી ફરિયાદ કરવા આવજો તેવો જવાબ આપ્યો હતો.
જે અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ બાળકને તો પોલીસે ગઈકાલે(21 નવેમ્બર) સાંજે શોધી લીધો છે. જોકે ગંભીર બેદરકારી બદલ પશ્ચિમ રેલવેના SP યશપાલ જગાણીયા દ્વારા આજે(22 નવેમ્બર) મહિલા ASIને સસ્પેન્ડ કરાયા છે. મોબાઈલ ગેમ રમવા બાબતે માતાએ ઠપકો આપતા 13 વર્ષનો બાળક દ્વારકા ચાલ્યો ગયો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ રેલવે સ્ટેશન પરથી 21 નવેમ્બરની વહેલી સવારે 12 વર્ષનો કિશોર અજાણ્યા શખ્સ સાથે જતો જોવા મળ્યા બાદ ગુમ થયો હોવાની ઘટના સામે આવી. કિશોરે અજાણ્યા નંબર પરથી ફોન કરીને પોતે દ્વારકા જઈ રહ્યો હોવાનું પરિવારને જણાવ્યું હતું. બીજી તરફ પરિવારજનો ફરિયાદ કરવા રેલવે પોલીસ સ્ટેશન પહોંચતા ફરજ પરના મહિલા PSOએ ગોદડું ઓઢીને સૂતા-સૂતા 24 કલાક રાહ જોવાનું કહેતા પરિવારમાં રોષ ફેલાયો હતો.
સગીરે પાનની દુકાનેથી નાનાને ફોન કરીને રૂપિયા મગાવ્યા
ગાયકવાડી વિસ્તારમાં રહેતા હરેશભાઈના 13 વર્ષના કિશોરને મોબાઇલ ગેમ રમવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો. જેથી તે ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ અજાણ્યા વ્યક્તિના નંબર પરથી ફોન કરી કહ્યું હતું કે,’હું દ્વારકા જાવ છું’. જે બાદ બાળકે પાનની દુકાનેથી નાનાને ફોન કરાવી રૂ.300 મંગાવ્યા હતા.
જે પછી પોલીસે સીસીટીવી અને ટ્રેનના આધારે ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાં મુસાફરી દરમિયાન બાળકને શોધી કાઢ્યો હતો. દ્વારકા પહોંચેલા બાળકને ગણતરીના કલાકોમાં પોલીસ શોધી લાવી હતી અને પરિવારને સોંપ્યો હતો.