રાજકોટની મહિલા સાથે અમદાવાદના શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં રહેતા અને હેર કટીંગનો વ્યવસાય કરતા 31 વર્ષના યુવાને ફેસબુકના માધ્યમથી રાજકોટમાં પતિથી અલગ રહેતી 40 વર્ષની પરણીતા સાથે પરિચય કેળવ્યો હતો. જે બાદ મહિલાના બંને સંતાનોને સાચવવાની ખાતરી આપી લગ્નની લાલચ આપી હતી અને છ વર્ષ સુધી અલગ અલગ હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ પરણીતા સાથે લગ્ન ન કરતા ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેથી પોલીસે દુષ્કર્મ ગુજારતા અમદાવાદના શખ્સને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આરોપીએ મહિલાને લગ્નનું વચન આપી ભોળવી
ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 40 વર્ષીય મહિલાનો આરોપ છે કે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા 31 વર્ષીય જિગ્નેશભાઈ મનસુખભાઈ બગથરીયા સાથે ફેસબુકના માધ્યમથી પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. આરોપીએ મહિલાને લગ્ન કરવાની ખાતરી આપી હતી તેમજ મહિલાનાં સંતાનોને પણ અપનાવી લેવાનું વચન આપ્યું હતું. આ રીતે મહિલાનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે સંબંધો કેળવ્યા હતા.
પોલીસે આરોપીની તપાસ શરૂ કરી
ફરિયાદ મુજબ, જૂન-2020થી આજદિન સુધીના સમયગાળામાં રાજકોટમાં ભુતખાના ચોક પાસે આવેલી આર.આર. હોટલ સહિતના સ્થળોએ અવારનવાર મહિલાની મરજી અને વિશ્વાસનો ગેરલાભ લઈ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. જોકે, લાંબા સમય સુધી લગ્ન કરવાની ખાતરી આપવા છતાં આરોપીએ લગ્ન નહીં કરતાં આખરે મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 69 મુજબ ગુનો નોંધી દુષ્કર્મ ગુજારતા શખ્સને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે.