મારું કામ બેટથી પ્રદર્શન કરવું અને દેશનું પ્રતિનિધિત્વ કરવું છે. ડેબ્યૂ કર્યા પછી મને આ જ શીખવવામાં આવ્યું છે અને હું આ જ કરતો રહીશ. જ્યારે મેં ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી બહાર બૂમો પડે છે અને જ્યાં સુધી રમીશ, ત્યાં સુધી રહેશે. જો બૂમો નહીં હોય તો મજા કેવી રીતે આવશે?
આ વાતો ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ BCCI TV સાથેની વાતચીતમાં કહેતા પોતાની નિવૃત્તિની અફવાઓને નકારી કાઢી હતી. રોહિતે કહ્યું- મારું કામ મેદાનની અંદર છે અને બીજાનું કામ બહાર. બહારની વાતો મારા માટે કોઈ મહત્વ રાખતી નથી.
રવિવારે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે ત્રીજી વનડેમાં 138 રનની શાનદાર ઇનિંગ્સ રમ્યા પછી રોહિતે આ વાતચીત કરી. તેમણે કહ્યું- મારું સંપૂર્ણ ધ્યાન ફક્ત ટીમ માટે યોગદાન આપવા પર છે.
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં શુક્રવારે દાવો કરવામાં આવ્યો હતો કે લોર્ડ્સમાં રમાયેલી આ મેચ રોહિતના વનડે કરિયરની છેલ્લી મેચ હોઈ શકે છે અને તે 2027 વનડે વર્લ્ડ કપની યોજનાઓનો ભાગ નથી. જોકે, શનિવારે જ BCCI સચિવ દેવજીત સૈકિયાએ આવી અટકળોને ફગાવી દીધી હતી.
શુભમન ગિલ બોલ્યા- ટીમમાં રોહિતના સંન્યાસ પર કોઈ ચર્ચા થઈ નથી
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન શુભમન ગિલે કહ્યું- મને લાગે છે કે આ બધું મીડિયામાં જ ચાલી રહ્યું છે. ટીમની અંદર આવી કોઈ વાતચીત થઈ નથી. રોહિત ભાઈએ અમને સંન્યાસ વિશે કંઈ પણ કહ્યું નથી.