પીએમ મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન (પેજેશ્કિયન)ની મુલાકાત બાદ અમેરિકાએ ભારત-ઈરાન વેપાર સંબંધોને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું છે કે તેમને નથી લાગતું કે ભારત અને ઈરાન વચ્ચે હાલમાં કોઈ ટ્રેડ ડીલ પર વાતચીત ચાલી રહી છે.
જોકે, તેમણે સાથે જ ચેતવણી આપી કે જો કોઈ દેશ ઈરાનને અમેરિકી પ્રતિબંધોથી બચવામાં મદદ કરે છે તો તે દેશ પર પણ અમેરિકા પ્રતિબંધ લગાવી શકે છે. રુબિયોએ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી.
SCOમાં મોદી અને ઈરાની રાષ્ટ્રપતિની મુલાકાત
અમેરિકી વિદેશ મંત્રીનું નિવેદન પીએમ મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે SCO શિખર સંમેલન દરમિયાન થયેલી મુલાકાત બાદ આવ્યું છે. બંને નેતાઓએ ભારત-ઈરાન સંબંધો, વેપાર અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચર્ચા કરી.
મોદીએ કહ્યું હતું કે ભારત ઈરાન સાથેના પોતાના જૂના સંબંધોને વધુ મજબૂત કરવા માંગે છે. બંને દેશો વચ્ચે વેપાર વધારવા અને તેમાં નવા ક્ષેત્રોને સામેલ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
મોદીએ કહ્યું હતું કે ભારત BRICS અને SCO જેવા મંચો પર ઈરાન સાથે સહયોગ ચાલુ રાખશે. તેમણે પેઝેશ્કિયનને 12-13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાનાર BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ આપ્યું.