સાઉદી અરેબિયા યમનમાં હૂતી બળવાખોરો સામે યુદ્ધ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, સાઉદી 1 લાખથી વધુ યમનના સૈનિકોને તૈનાત કરી શકે છે.
તેનો હેતુ લાલ સમુદ્રના દક્ષિણ છેડે આવેલા બાબ-અલ-મંદેબ જળમાર્ગને હૂતીઓના કબજામાંથી મુક્ત કરાવવાનો અને દરિયાઈ વેપારનો માર્ગ સુરક્ષિત કરવાનો છે.
આ વિસ્તારમાં હૂતીઓની વધતી પકડને કારણે વિશ્વના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર જોખમ વધી ગયું છે. આ માર્ગ એશિયા અને યુરોપ વચ્ચેના વેપાર માટે મહત્વપૂર્ણ છે.
બાબ-અલ-મંદેબ વિશ્વના મુખ્ય દરિયાઈ વેપાર માર્ગોમાંનો એક છે. વિશ્વનું 12% તેલ આ માર્ગ પરથી પસાર થાય છે.
ગયા મહિને હૂતીઓએ યમનના તટીય વિસ્તારોમાં આગળ વધતાં આ માર્ગની આસપાસ પોતાની પકડ મજબૂત કરી હતી. તેમણે સાઉદી સમર્થિત યમનની સરકારી સેના અને UAE સમર્થિત નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સિસને પાછળ ધકેલી દીધા હતા.
બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ લાલ સમુદ્રને એડનની ખાડી અને હિંદ મહાસાગર સાથે જોડે છે. આ માર્ગે જહાજો એશિયાથી લાલ સમુદ્ર અને સુએઝ નહેર થઈને યુરોપ પહોંચે છે. આ કારણે વૈશ્વિક વેપાર અને તેલના પુરવઠા માટે તેનું મહત્વ છે.
સાઉદી અરેબિયાને આશંકા છે કે જો હૂતીઓનું નિયંત્રણ યથાવત્ રહ્યું તો આ માર્ગે થતા વેપાર અને તેલના પરિવહન પર ખતરો વધી શકે છે.