ભારતીય કેપ્ટન પર હુમલો કરનાર પાઇલટ સીરિયામાં રહ્યો હતો

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર કો-પાઇલટની ઓળખ હમામ અલ હમામી તરીકે થઈ છે. તે ઓમાનનો રહેવાસી છે. અલ અરેબિયા ઇંગ્લિશએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે આરોપી લાંબા સમય સુધી સીરિયામાં રહ્યો હતો.

સીએનએનની રિપોર્ટ અનુસાર, અલ હમામી કટ્ટરપંથી વિચારધારા ધરાવતો હતો. તેની વિચારસરણીને કારણે તેને ગયા વર્ષે ઓમાનની રાષ્ટ્રીય એરલાઇનમાં પાઇલટ તાલીમમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. બાદમાં તેને એરલાઇનમાં બીજી નોકરી આપવામાં આવી હતી. તે અગાઉ રોયલ એર મેરોક સાથે પણ કામ કરી ચૂક્યો હતો.

રિપોર્ટ અનુસાર, ફ્લાયદુબઈમાં તેને કામ કરતા લગભગ 8 મહિના થયા હતા. અલ હમામીનો જન્મ યુએઈમાં થયો હતો. તેના પિતા ઓમાની અને માતા સીરિયન છે. તેણે પોતાના જીવનનાં કેટલાંક વર્ષો યુએઈમાં પણ વિતાવ્યાં હતાં. આરોપીએ 30 સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કેપ્ટન મચ્છર પર છરીથી હુમલો કર્યો હતો.

દાવાઓ અનુસાર તે વિમાનને ક્રેશ કરાવવા માગતો હતો. વિમાન ઝડપથી નીચે પડવા લાગ્યું. જોકે ઘાયલ કેપ્ટને તેની સામે લડતાં કોકપિટનો દરવાજો ખોલ્યો, ત્યારબાદ મુસાફરો અને ક્રૂ સભ્યો અંદર પહોંચીને કો-પાઇલટને પકડી લીધો. ત્યારબાદ સાઉદી અરેબિયામાં વિમાનનું લેન્ડિંગ થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *