આજના સમયમાં રોજબરોજના વ્યવહાર અને ભાડાકરારના લખાણમાં નોટરાઇઝ્ડ રજિસ્ટ્રેશનનું પ્રમાણ વધ્યું છે ત્યારે રાજકોટ શહેર-જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત થયેલા 800 જેટલા નોટરીને નોટરી સ્ટેમ્પ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાની વારંવારની રજૂઆતને અંતે જિલ્લા કલેક્ટર દ્વારા રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતેથી જ દરરોજ નોટરી ટિકિટ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવતા નોટરી એસોસિએશનને રાહત મળી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં 800 જેટલા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત થયેલ નોટરીને ટિકિટ મેળવવા માટે પહેલા ચલણ ભર્યા બાદ બે દિવસે ટિકિટ મળતી હતી. જેથી આ બાબતે નોટરી એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા પ્રશ્ન ઉકેલવા ખાતરી આપી હતી. જે બાદ તિજોરી કચેરી અને પોસ્ટ ઓફિસ દ્વારા હવેથી હેડ પોસ્ટ ઓફિસ ખાતે પ્રથમ માળે આવેલ તિજોરી વિભાગમાં દરરોજ સવારે 10થી 2 દરમિયાન જરૂરત મુજબ ટિકિટ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.