રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગ મૂર્છિત અવસ્થામાં સરી પડ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ખનીજચોરી રોકવાની સઘળી જવાબદારી રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
છેલ્લા એક મહિનામાં જ રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે ખનીજ ખનન અને વહનના 61 જેટલા કિસ્સા ઝડપી લઈ 1.21 કરોડથી વધુનો દંડ વસૂલ કર્યો હતો.
સૌરાષ્ટ્રમાં ભૂતળમાં મુખ્યત્વે રેતી, સેન્ડસ્ટોન, બ્લેકટ્રેપ, લાઇમ સ્ટોન, હાર્ડ મોરમ સહિતના ખનીજનો ખજાનો સંગ્રહાયેલ પડ્યો હોય રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં ખનીજ માફિયાઓ ખાણ ખનીજ વિભાગની પેરેલલ વોટ્સએપ નેટવર્ક ચલાવી ખાણ ખનીજ વિભાગ દરોડા પાડે તે પૂર્વે જ પેપર ફોડી નાખી ખનીજ ખનન અને પરિવહનના કિસ્સામાં બચી જવામાં સફળ થઇ રહ્યા છે.
સ્થાનિક ખાણ ખનીજ વિભાગ કામ જ કરતો ન હોય તેવી સ્થિતિમાં હાઇવે પર ખનીજચોરી બિંદાસ્ત બની ખનીજનું પરિવહન કરી રહ્યા છે.
જોકે પોલીસ વિભાગની એસએમસીની ટીમની જેમ જ ખાણ ખનીજ વિભાગમાં પણ ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી હોય ખનીજ માફિયાઓ પર ફ્લાઈંગ સ્ક્વોડ સતત કાર્યવાહી કરી રહી છે. ડિસેમ્બર માસમાં ફ્લાઈંગ સ્ક્વોડે સૌરાષ્ટ્રમાં 61 કિસ્સા ઝડપી લીધા હતા.