રાજકોટ રેલવે પોલીસે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી નાર્કોટિક્સ પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કરી ગાંજાના જથ્થા સાથે બે શખસોને ઝડપી પાડ્યા છે. પ્લેટફોર્મ નંબર 1/બી પર જામનગર તરફના છેડા પાસેથી પકડાયેલા શૈલેન્દ્રકુમાર કુશવાહા અને આરિફ આલમશા સાયદ પાસેથી 8.750 કિલોગ્રામ ગાંજો, બે મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂ. 4,77,040નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બંને સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રૂ. 4,37,500ની કિંમતનો 8.750 કિલો ગાંજો જપ્ત કર્યો
બાતમીના આધારે વોચ ગોઠવીને ઝડપાયેલા આરોપીઓમાં શૈલેન્દ્રકુમાર કુશવાહા (ઉં.વ. 33, રહે. મોરબી, સિરામિક કંપનીમાં સુપરવાઈઝર) ગાંજો લઈને આવ્યો હતો અને આરિફ આલમશા સાયદ (ઉં.વ. 33, રહે. મોરબી, રિક્ષા ડ્રાઈવર) આ જથ્થાની ડિલિવરી લેવા આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 4,37,500ની કિંમતનો 8.750 કિલો ગાંજો, રૂ.17,200ના 2 મોબાઈલ અને રૂ.32,450 રોકડા કબ્જે કર્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી આરિફ આલમશા સાયદ સામે અગાઉ જુનાગઢ અને મોરબી પોલીસ સ્ટેશનમાં હત્યા તેમજ એનડીપીએસ એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. રાજકોટ રેલવે પોલીસ ઇન્સ્પેક્ટરે આ મામલે આગળની સઘન તપાસ શરૂ કરી છે.