રાજકોટ શહેરમાં ચોટીલા સ્થિત પ્રખ્યાત આપાગીગાના ઓટલાના મહંત અને ભાજપના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર સોલંકી (નરેન્દ્ર બાપુ) સાથે આનંદ બંગલા ચોક નજીક એક બાઇકચાલક યુવાનની જાહેરમાં માથાકૂટ થઈ હોવાની ઘટના સામે આવી છે. ચાલુ વાહને થૂંકવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી આ બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની હતી અને બંને પક્ષે સામસામે લાફાવાળી તેમજ ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. જોકે, ઘટના બાદ બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજાવટથી સમાધાન થઈ જતાં મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો ન હતો.
આ ઘટના અંગે નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, તે સાંજના સમયે આનંદ બંગલા ચોક પાસેથી પોતાનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમણે રસ્તા પર થૂંકતાં પાછળ બાઇક લઈને આવી રહેલા એક અજાણ્યા યુવાન પર તે ઉડ્યું હતું. પાછળ આવતા વાહનચાલક પર થૂંક ઉડતાં તે સ્વાભાવિક રીતે ઉશ્કેરાઈ ગયો હતો અને એક્ટિવા રોકાવીને બોલાચાલી કરવા લાગ્યો હતો. મામલો એટલો બીચક્યો હતો કે યુવાને ઉશ્કેરાટમાં આવીને નરેન્દ્ર બાપુને ધક્કો મારી નીચે પછાડી દીધા હતા.