પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની સિઝન અને મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટથી કોલકાતા વચ્ચે એક વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ સુનીલ કુમાર મીના દ્વારા મળેલી માહિતી અનુસાર, આ ટ્રેન વિશેષ ભાડા સાથે માત્ર એક જ ટ્રિપ માટે દોડાવવામાં આવશે. આ સુવિધાનો લાભ ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા લોકો અને પૂર્વ ભારત તરફ જતા શ્રમિકો તેમજ પ્રવાસીઓને મળશે. આ ટ્રેન સ્લીપર અને જનરલ ક્લાસના કોચ ધરાવતી હશે, જેથી મધ્યમ વર્ગના મુસાફરોને આર્થિક રીતે પોષાય તેવી મુસાફરીનો લાભ મળી શકશે.
પ્રાપ્ત વિગત મુજબ ટ્રેન સંખ્યા 09501 રાજકોટ – કોલકાતા વન-વે સ્પેશિયલ ટ્રેન તારીખ 30 એપ્રિલ 2026, ગુરુવારના રોજ રાજકોટ રેલવે સ્ટેશનથી સાંજે 17:00 કલાકે પોતાની મુસાફરી શરૂ કરશે. આ ટ્રેન લાંબો રૂટ કવર કરીને ત્રીજા દિવસે સાંજે 17:10 કલાકે કોલકાતા પહોંચશે. મુસાફરોની સગવડતા માટે આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા મહત્વના રાજ્યોમાંથી પસાર થશે. આ આયોજનને કારણે નિયમિત ટ્રેનોમાં જોવા મળતું વેઇટિંગ લિસ્ટ ઘટાડવામાં મદદ મળશે અને મુસાફરોને છેલ્લી ઘડીએ કન્ફર્મ ટિકિટ મળી શકશે.