રાજકોટનાં રૈયા રોડ પર આજે 21 જૂને સવારે હૃદય કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. જેમાં આમ્રપાલી બ્રિજની બહાર પુરપાટ ઝડપે જતી વર્ના કાર સ્પીડબ્રેકર પર હવામાં ઉછળી હતી. અને એક ટુ-વ્હીલર ચાલક યુવકને હડફેટે લેતા તે ફૂટબોલની જેમ ફંગોળાઈ રસ્તા પર પટકાયા હતા. ત્યારબાદ ભગવા જતા બે વાહનોને હડફેટે લઈ 200 મીટર આગળ રૈયારોડ પર ધડાકાભેર એક બોર્ડ સાથે અથડાતા કારની એરબેગ ખુલી ગઈ હતી. મોપેડ ચાલકને ઉડાવ્યાની આ ઘટના અને બેફામ ગતિએ દોડતી કારના CCTV પણ સામે આવ્યા છે.
ઇજાગ્રસ્ત અને રેલવેના કર્મચારી એવા રમેશ કુમારને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તેઓ ડોક્ટરની દેખરેખ હેઠળ છે.
અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ભારે નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડાયા છે. આ બેકાબૂ કાર એક સગીર ચલાવી રહ્યો હોવાની આશંકા પણ પ્રત્યક્ષદર્શીએ વ્યક્ત કરી છે. કારની પાછળ નંબર પ્લેટ પણ નહીં હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કાર ચાલક સહિત કારમાં પાંચ સગીર સવાર હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. આ સગીરો યોગમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. જેથી તેના પિતાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું છે. તો બીજી તરફ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા રમેશકુમારના પત્ની દ્વારા કારના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.