રાજકોટ જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં થયેલા વાવેતર બાદ લાંબા સમયથી વરસાદે વિરામ લેતાં પાકને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને મગફળી અને કપાસ જેવા મુખ્ય રોકડિયા પાકો પર આ વિપરીત પરિસ્થિતિની સીધી અસર પડી રહી છે.
રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી તૃપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે 5.21 લાખ હેક્ટર વિસ્તારમાં વિવિધ ખેતી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ વાવેતર મગફળી અને કપાસના પાકનું થયું છે. જિલ્લામાં મગફળીનું 3.24 લાખ હેક્ટરમાં અને કપાસનું 1.08 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 47 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જો કે, તાલુકાવાર પરિસ્થિતિમાં મોટો તફાવત જોવા મળે છે.
વરસાદ ખેંચાશે, તો મગફળી, કપાસને નુકસાનની સંભાવના જિલ્લાના ઉપલેટા તાલુકામાં માત્ર 27.06 ટકા અને વીંછીયા તાલુકામાં 30.57 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. અમુક તાલુકાઓને બાદ કરતાં ઉપલેટા અને વીંછીયા જેવા વિસ્તારોમાં વરસાદની અછત સર્જાઈ છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પાકની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, હાલમાં મગફળીના પાકમાં ફૂલ આવવાની અને સોયા ભરાવાની અત્યંત મહત્વપૂર્ણ અવસ્થા ચાલી રહી છે. આ સમયે પાકને પૂરતા પ્રમાણમાં ભેજ અને પાણીની જરૂર હોય છે. જો હજુ પણ વરસાદ ખેંચાશે, તો મગફળી અને કપાસ સહિતના પિયત અને બિન-પિયત પાકોને મોટું નુકસાન થવાની પૂરતી સંભાવના રહેલી છે.