રાજકોટમાં મંદિર-દરગાહ સહિત 2108 ધાર્મિક દબાણ દૂર કરશે મનપા

રાજકોટ મહાનગરપાલિકાએ અચાનક જ ધાર્મિક સ્થાનો પર નોટિસ ચોંટાડીને ગેરકાયદે દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી કરતાં લોકો અચંબિત થયા છે. હજુ તો 10-15 સ્થાનકોમાં નોટિસ લગાવાઈ છે પણ શહેરમાંથી 2108 બાંધકામો દૂર કરવાના છે તેથી રાજકોટ શહેરના ઈતિહાસનું આ સૌથી મોટું ઓપરેશન બનવા જઈ રહ્યું છે. રસ્તા અને જાહેર સ્થળોએ જે પણ ધાર્મિક બાંધકામો મંજૂરી વગરના છે તે ધાર્મિક દબાણોને દૂર કરવા માટેનો કેસ સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી ચાલી રહ્યો છે. આ સંદર્ભે 14 વર્ષ પહેલાં રાજકોટ સહિત દરેક મહાનગરપાલિકાએ જેટલા પણ ધાર્મિક દબાણો છે તેનો સરવે કરીને તેની યાદી કોર્ટમાં આપી હતી.

કેસ ચાલી જતા હવે સુપ્રીમમાંથી નિર્દેશ આવ્યો છે કે આ તમામ દબાણો દૂર કરીને તે કામગીરી કર્યાનું સોગંદનામું કોર્ટમાં આપવાનું રહેશે. કોર્ટના આદેશને પગલે તાત્કાલિક રાજ્યના મુખ્ય સચિવે દરેકને સૂચના આપતા રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. હજુ ઈસ્ટ ઝોનમાં કાર્યવાહી શરૂ કરાઈ છે અને મંગળવારથી વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં પણ નોટિસની કામગીરી શરૂ થશે. પ્રથમ તબક્કામાં વોર્ડ દીઠ 10-10 બાંધકામને નોટિસ અપાશે આ રીતે 180 બાંધકામ હટાવાશે અને ત્યારબાદ બીજા બાંધકામોને નોટિસ અપાશે.

રાજકોટ શહેરમાં કેટલા ધાર્મિક બાંધકામો ગેરકાયદે છે તેનું લિસ્ટ 2011ની આસપાસ બન્યું હતું. ત્યારબાદ નવા પણ બન્યાની શક્યતા છે પણ જૂના લિસ્ટ મુજબ ગણીએ તો શહેરમાં 2108 ધાર્મિક દબાણ છે. આ તમામ દબાણ દૂર કરીને મહાનગરપાલિકાએ સોગંદનામા આપવાના છે જે કોર્ટમાં આપવામાં આવશે. સરકારે આ જવાબ રજૂ કરવાના હોવાથી ચીફ સેક્રેટરી આ મામલે ખૂબ જ ગંભીર છે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *